Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 710

મનની વૃતિઓને નિયંત્રિત કેવી રીતે કરવી?

$
0
0

મનની પાંચ વૃત્તિઓ છે: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ પાંચ વૃત્તિઓ ઉપર નિયંત્રણ હોવું આવશ્યક છે. શું તમે કોઈ ને કોઈ વાત ને લઈને સાબિતીઓ માંગ્યા કરો છો? શું તમે મિથ્યા જ્ઞાન ને પકડી રાખો છો? વસ્તુઓ ચોક્કસ રીતે જ હોવી જોઈએ, એવો આગ્રહ તમે રાખો છો? વાસ્તવમાં તમને સાચે જ ખબર નથી કે પદાર્થોનું સ્વરૂપ શું છે. જગતમાં કશું જ નક્કર નથી. અહીં બધું પ્રવાહી સ્થિતિમાં છે. મન નક્કર નથી, વિચારો નક્કર નથી. ગમે ત્યારે કઈં પણ બદલાઈ શકે છે. શક્યતાઓ અને સંભાવનાઓથી વિશ્વ છલોછલ ભરેલું છે. પણ તમારું મન બદ્ધ થઇ ગયું છે, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ ચોક્કસ પ્રકારે જ હોવી જોઈએ એવો તમે આગ્રહ રાખો છો. ભૂતકાળના અનુભવો, મિથ્યા જ્ઞાન અને ખોટી કલ્પનાઓ ઉપર આધારિત સાબિતીઓનો તમે વારંવાર ઉપયોગ કર્યા કરો છો. અને જીવનની સુંદરતાથી વંચિત રહી જાઓ છો. મનની આ પાંચ વૃત્તિઓનું વિવરણ આપણે ગત સપ્તાહે સમજ્યા હતા. આ પાંચ વૃત્તિઓ પ્રભાવી ન થઇ જાય તે માટે શું કરવું જોઈએ?

હજારો વર્ષો પહેલાં આટલી સૂક્ષ્મ રીતે મન અને તેની વૃત્તિઓનું આલેખન મહર્ષિ પતંજલિ એ કર્યું છે, તે આશ્ચર્યની વાત નથી? અને આ વૃત્તિઓનું નિયંત્રણ કરવા માટે પણ મહર્ષિ પતંજલિ અહીં તેનો ઉપાય બતાવે છે.
अभ्यासवैराग्याअभ्यामतन्निरोघ: – એક તો અભ્યાસ અને બીજો વૈરાગ્ય. અભ્યાસ એટલે શું? યોગની સ્થિતિમાં રહેવા માટેનો પ્રયત્ન એટલે અભ્યાસ. વર્તમાન ક્ષણમાં નિરંતર રહેવાનો પ્રયત્ન એટલે અભ્યાસ. પાંચ વૃત્તિઓમાંથી મુક્ત થવા માટે ‘આ ક્ષણ, આ ક્ષણ, આ ક્ષણ – વર્તમાન ક્ષણ” માં જ રહેવાનો ખંતપૂર્વક પ્રયત્ન કરવો અને ભૂતકાળની સ્મૃતિઓનો આશ્રય ન લેવો તે અભ્યાસ છે.
તમે આ નિશ્ચયથી શરૂઆત કરી શકો, કે હું કોઈ જ તર્ક- પ્રમાણનો આધાર નહીં લઉં. કોઈ જ સાબિતી મેળવવામાં તમને કોઈ જ રસ નથી. જો મન પ્રમાણ માંગે છે તો તેને જુઓ, સ્વીકાર કરો અને વિશ્રામ કરો. કોઈ મિથ્યા કે સત્ય જ્ઞાનમાં તમને રસ નથી. જ્યારે મન મિથ્યા જ્ઞાનને પકડે છે ત્યારે તેને લાગે છે કે આ જ સત્ય છે. એટલે નિશ્ચય કરો કે મનને કઈં જ જાણવું નથી. મનને જાણવાની પ્રક્રિયા અને જ્ઞાન થી મુક્ત કરી દો. મનને કઈં જ જોવામાં, સાંભળવામાં, સૂંઘવામાં કે સ્પર્શ કરવામાં રસ નથી. તેને કઈં જાણવું પણ નથી. જે જેમ છે તેમ ભલે રહ્યું!
ચિંતા ન કરો. સાચા-ખોટાનો ન્યાય ન કરો. તમારી જાતને વિપર્યાય અને વિકલ્પથી મુક્ત કરી દો. જુઓ કે મન કોઈ ખોટી કલ્પનામાં રાચે છે કે શું? મન કોઈ પરિકલ્પનામાં રાચી રહ્યું છે તે પ્રત્યે તમે સભાન બનશો કે તરત જ મન ખોટી કલ્પનાઓ કરવાનું બંધ કરી દેશે. જેમ તમે સ્વપ્ન પ્રત્યે જેવાં સભાન બનો છો અને તરત જ સ્વપ્ન અદ્રશ્ય થઈ જાય છે તે જ રીતે, મન ખોટી કલ્પનાઓ કરવાનું પણ બંધ કરી દેશે. આ ક્ષણ, વર્તમાન ક્ષણ એટલી તાજી, નૂતન અને પૂર્ણ છે! આ ક્ષણને પિછાણવી ત્યારે જ શક્ય બને જ્યારે તમે હળવા, મુક્ત અને સંપૂર્ણપણે વર્તમાનમાં છો. આ જ અભ્યાસ છે. તમારું મન ભૂતકાળમાં જવા માટે પ્રયાસ કરે છે તો તમે કોઈ પણ રાગ દ્વેષ વગર જાણો છો કે મન પાંચ વૃત્તિઓના પ્રભાવ નીચે આવી રહ્યું છે. આમ તમે પુન: પુન: કેન્દ્રમાં આવો છો, દ્રષ્ટાભાવમાં આવો છો.

દ્રષ્ટભાવમાં રહેવા માટે પ્રયત્નશીલ રહેવું તે અભ્યાસ છે. એક વાર તમે દ્રષ્ટભાવમાં સ્થિર થાઓ છો તો પણ ફરીથી બહારનાં જગત અને દ્રશ્યો ભણી આકર્ષાઓ છો. પુન: તમે જગતથી કંટાળી જાઓ છો અને સ્વયં તરફ, દ્રષ્ટા તરફ પાછા ફરો છો. સ્વયંના કેન્દ્રમાં રહેવું તે અભ્યાસ છે. “નેવર માઇન્ડ” એ બહુ યોગ્ય અભિવ્યક્તિ છે. તમે જ્યાં છો ત્યાં સુધી મન કદાપિ પહોંચી શકે નહીં. એક તરંગ ક્યારેય સમુદ્રની ગહનતા સુધી પહોંચી શકે નહીં. તો મન ક્યારેય તમારી ગહનતાને પામી શકે નહીં. તમે ઘણી વાર આ અનુભવ કર્યો જ હશે. મન તમને સતત પ્રશ્નો પૂછતું હોય છે. જેવા તમે સજગ થાઓ છો અને જુઓ છો કે આ તો મનનાં પ્રશ્નો છે, વાસ્તવિક નથી અને આ સજગતા આવતાની સાથે જ તમારું મન શાંત થઈ જાય છે, પ્રશ્નો કરવાનું બંધ કરી દે છે. આ અભ્યાસ છે.
અભ્યાસ કેવો હોવો જોઈએ? स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः| અભ્યાસ લાંબા સમય સુધી, સતત કરવો જોઈએ. અને તે પણ પૂર્ણ સત્કાર સાથે, આદરભાવ સહિત કરવો જોઈએ. કરવા ખાતર કરવો એમ નહીં. અભ્યાસ પ્રતિ સન્માનની ભાવના રાખીને, લાંબા સમય સુધી, નિરંતર કરવામાં આવતો અભ્યાસ દ્રઢ બને છે. એક પણ દિવસ પાડયા વગર અભ્યાસ થવો જોઈએ. તમે કોઈ મંત્ર જાપ કરવાનું નક્કી કર્યું હોય અને તેને આજે કરો અને કાલે છોડી દો તો તેનો કોઈ લાભ થતો નથી. તૂટક તૂટક કરેલો અભ્યાસ લાભદાયી બનતો નથી. સ્થિર અને અચલ રહીને વર્તમાન ક્ષણમાં રહેવા માટે અભ્યાસ આવશ્યક છે. જેવુ તમે કહેશો કે ” આ ક્ષણ- નાઉ(now) ” અને તે ક્ષણ સરકી જશે. તો નિરંતર વર્તમાન ક્ષણમાં રહેવા વિશેષ અભ્યાસની જરૂર રહે છે, કારણ વર્તમાન ક્ષણ અનંત અને અતિ ગહન છે. વર્તમાન ક્ષણ પ્રતિ સંપૂર્ણ ધ્યાન એ જ સન્માનપૂર્વક કરવામાં આવતો અભ્યાસ છે. મનની વૃત્તિઓ પર અભ્યાસથી નિશ્ચિતપણે વિજય મેળવી શકાય છે. બીજો ઉપાય- વૈરાગ્ય, એ શું છે? તેનું કઈ રીતે પ્રયોજન કરી શકાય? તે આવતાં સપ્તાહે જોઈશું.

 

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)


Viewing all articles
Browse latest Browse all 710

Trending Articles