Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 713

સ્ટ્રેસ મૅનેજમેન્ટ: આમ તણાઈ જવા દો તણાવને

$
0
0

2030 સુધીમાં બ્લડ પ્રેશર, કાર્ડિયાક અરેસ્ટથી અકાળે થતાં મૃત્યુમાં સ્ટ્રેસ બહુ જ મહત્વનો ભાગ ભજવશે.

-મેડિકલ સાયન્સને લગતા એક સમાચાર…

વર્તમાન સમયમાં સ્ટ્રેસ એક ઘાતક મનોરુગ્ણ બની ગયો છે. તબીબો એને સાઈલન્ટ કિલર કહે છે. સ્ટ્રેસની સાથે આવે છે ડિપ્રેશન અને ડિપ્રેશનને કારણે થતા અનર્થ આપણે જોયા છે.

મોટા ભાગના લોકોની એક ગેરમાન્યતા છે કે જો નોકરી-ધંધો સેટ હોય, વૈભવી વિલા હોય, લક્ઝુરિયસ કાર હોય, પત્ની-સંતાન કહ્યામાં હોય તો કોઈ દિવસ સ્ટ્રેસ આવે નહીં. જી ના. આ બધું હોવા છતાં તણાવ આવી શકે છે. કેમ કે તણાવ આવવાનું કારણ ભૌતિક ચીજવસ્તુ, ભૌતિક આનંદ કે એનો અભાવ નથી, પણ વેલ્યુઝ છે. જો જીવનમાં મૂલ્યો વિકસાવ્યાં હશે અને એ મુજબ જીવન જીવતા હશો તો સ્ટ્રેસથી બચી શકશો. બાકી અમર્યાદિત ધનસંપત્તિપ્રસિદ્ધિ ધરાવનારાનાં અપમૃત્યુ થયાંના દાખલા આપણી સામે છે.

1960-1970ના દાયકામાં અમેરિકાના સંગીતજગત પર એકચક્રી શાસન કરનાર એલ્વિસ પ્રેસ્લી 33નો હતો ત્યારે એની પાસે બેશુમાર દોલત હતી, ચોવીસે કલાક એ પ્રસિદ્ધિના ધોધ નીચે રહેતો, પોતાનું પ્લેન, હીરાજડિત લીમોઝિન હતી.

અને એલ્વિસ 42નો થયો ત્યારે એનું મૃત્યુ થયું, 1977ના ઑગસ્ટમાં એલ્વિસ એના અતિવૈભવશાળી બાથરૂમમાં મૃત મળી આવ્યો. મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ, કાર્ડિયાક અરેસ્ટ, આત્મહત્યા? એ હજુ રહસ્ય છે.

બીજી બાજુ મેવાડનાં મીરાંબાઈ વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભજન ગાતાં, સાદું જીવન જીવતાં, કોઈ ધનદોલત નહોતાં, છતાં ગાતાં કે, પાયોજી મૈને રામરતન ધન પાયો… આજે પાંચસો કરતાં વધુ વર્ષ બાદ પણ મીરાંબાઈનાં એ પદો લોકોને શાંતિ અર્પે છે, બલકે અનેક લોકો માત્ર એમનાં ભજનો પર આખું જીવન જીવી ગયા.

કહેવાનો અર્થ એ કે ભૌતિક ચીજોથી મનમગજ હળવુંફૂલ થઈ જશે એ માનવું ભૂલભરેલું છે, કેમ કે અનેક લોકો એ મેળવવા જાતજાતનાં પ્રપંચ રચે છે, કપટ કરે છે ને પછી વધુ સ્ટ્રેસને ઈન્વિટેશન આપી બેસે છે.

ઈન શૉર્ટ, જો ધંધામાં નીતિમત્તા ચૂક્યા તો સ્ટ્રેસ આવશે જ. બિઝનેસ પાર્ટનર, પ્રતિસ્પર્ધી, ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, કોઈના તરફથી પણ આવશે. કેમ કે ખોટું કરશો તો ક્યારેક તો ફસાશો જ.

એક ઉદહારણઃ રજત ગુપ્તા. કેટલું મોટું નામ. કેટલો દોરદમામ. મૅકિન્ઝી ઍન્ડ કંપનીના પહેલા ભારતીય મૅનેજિંગ ડિરેક્ટર, પણ પોતાની કંપનીની અત્યંત ગુપ્ત કહેવાય એવી માહિતી કોઈને ફોન પર આપી, અમુક કંપનીના શૅર લેવા કહ્યું, વાત બહાર આવી, રજત ગુપ્તા પર કેસ ચાલ્યો. કેસ ચાલતો હતો તે દરમિયાન અમેરિકા અને દુનિયાભરમાંથી કોર્ટ પર પત્રોનો મારો ચાલ્યો કે રજતભાઈ બહુ સારા માણસ છે, એ તો કેટલું દાન કરે છે, એમને છોડી મૂકો. આ બધાની જજ પર કોઈ અસર ન થઈ. એમણે ચુકાદો આપ્યોઃ ગિલ્ટી. બે વર્ષની કડક સજા.

કોર્ટમાંથી પોલીસ એમને લઈ જતી હતી ત્યારે એ એટલું જ બોલ્યા કે, 30 વર્ષની મારી કૉર્પોરેટ ઈમેજ પાંચ સેકન્ડના એક ફોનકૉલથી ગટરમાં ભળી ગઈ. સત્યમના રામલિંગ રાજુનો દાખલો પણ આપણી સામે છે.

કહેવાનું એ જ કે, ધંધામાં તમને શૉર્ટકટ મળશે, પણ એ લેવા જેવો નથી. અનૈતિકતા લાંબી ચાલતી નથી એ આ પૃથ્વીનો સિદ્ધાંત છે. ક્યારેક ને ક્યારેક ડબલ, ટ્રિબલ ચુકવણી કરવી જ પડે છે. યાદ રાખજો કે, અનીતિથી રળેલો પૈસો રાતે સુખેથી સૂવા નહીં દે, મગજ પર કશોક ભાર રહ્યા જ કરશે. અનએથિકલ બિઝનેસ પ્રૅક્ટિસ, ધંધામાં ગેરરીતિ એ સ્ટ્રેસનું પહેલું અને મહત્વનું કારણ છે.

બીજાં કેટલાંક કારણોની ચર્ચા ફરી ક્યારેક.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

 

 


Viewing all articles
Browse latest Browse all 713

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>