Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 721

સફળ વ્યક્તિ સફળ બને છે કેવી રીતે?

$
0
0

આજે સમાચાર આવ્યા કે આઈફોન, આઈમેક લેપટૉપ તથા અન્ય ચીજો બનાવતી વિશ્વવિખ્યાત કંપની એપલના સીએફઓ (ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર) તરીકે એક તેજસ્વી ભારતીય, કદાચ ગુજરાતી પણ કેવન પારેખની નિમણૂક થઈ. આનો અર્થ એ કે એપલ કંપનીના અબજો ડોલરનો વહીવટ, એનો હિસાબકિતાબ એક ભારતીય કરશે.

તમને ક્યારેય વિચાર આવે ખરો કે દેશ કે દુનિયાની મોટી મોટી કંપનીના સી.ઈ.ઓ.ના સ્વભાવ કેવા હશે? એ કેવી રીતે વિચારતા હશે? એમને શેની આદતો હશે? અથવા શેની આદત નહીં હોય?

સ્ટિફન કોવી નામના અમેરિકન એક મૅનેજમેન્ટ ગુરુ, પ્રોફેસર, બિઝનેસમૅન હતા. એમનું પુસ્તક બહુ લોકપ્રિય થયું છેઃ ‘સેવન હેબિટ્સ ઑફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’ અર્થાત્ અત્યંત સફળ વ્યક્તિની સાત (કોમન) આદતો. આ પુસ્તક દેશ-દુનિયાની મૅનેજમેન્ટ સ્કૂલોમાં પણ ભણાવવામાં આવે છે, ‘ફૉર્ચ્યુન 500’ની યાદીમાં આવતી કંપનીના એવા કોઈ સી.ઈ.ઓ. નહીં હોય, જેણે આ પુસ્તકનો સ્ટડી ન કર્યો હોય.

આ પુસ્તક લખવા સ્ટિફન કોવી 3000થી વધુ સફળ વ્યક્તિને મળેલા અથવા એમનો સંપર્ક સાધ્યો. આ બધી સફળ વ્યક્તિએ માત્ર ધનના ઢગલા જ નહોતા કર્યા બલકે એ પુત્ર, પિતા, પતિ, દાનવીર, વગેરે જેવી વિવિધ ભૂમિકા ભજવવામાં પણ સફળ રહ્યા. એ સારા ભાઈ-બહેન હતાં, સારા પડોશી હતાં, સારા મિત્ર હતાં. આટલા લોકોને મળ્યા પછી સ્ટિફને બધી નોંધ ભેગી કરી, એનો અભ્યાસ કરવામાં સ્ટિફનને ત્રણ વર્ષ લાગ્યાં. એ પછી એમણે અતિઅસરકારક વ્યક્તિઓની સાત સમાન ટેવ વિશેનું પુસ્તક લખ્યું. સ્ટિફન કોવીની નજરે 3000 વ્યક્તિઓની સાત કૉમન આદત. આ સાત આદતો છેઃ


1) પ્રોઍક્ટિવ રહેવું અર્થાત્ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ, કપરી પરિસ્થિતિમાં, નિષ્ફળતામાં સ્થિરતા.

2) બિગિન વિથ એન્ડ ઈન માઈન્ડઃ પરિણામ શું આવશે એ વિચારીને આરંભ કરો.

3) પુટિંગ ફર્સ્ટ થિંગ ફર્સ્ટઃ પ્રાથમિકતા શું છે? અત્યારે આ ક્ષણે શું જરૂરી છે? એ કરો.

4) થિંક વિન વિનઃ તમે પણ જીતો, હું પણ જીતું. તમે પણ બે પૈસા કમાઓ, હું પણ કમાઉં. તમે સુખી થાઓ હું પણ સુખી થાઉં.

5) સીક ફર્સ્ટ ટુ અન્ડસ્ટેન્ડ ઍન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટૂડઃ પહેલાં સામેવાળી વ્યક્તિને સમજો, પછી એ તમને સમજે એવી અપેક્ષા રાખો. ઘણાને એવું કહેવાની આદત હોય છેઃ “પહેલાં તું મારી વાત સાંભળ”. આના બદલે પહેલાં સામેવાળાને શાંતિથી સાંભળો. ઘણી વાર આપણે સાંભળીએ તો છીએ, પણ આપણાં મનમાં એક ગણિત ચાલતું હોય છે કે આને હું જવાબ શું આપીશ? સ્ટિફન કોવી કહે છે કે એ તમને બરાબર સમજી શકે એ માટે પહેલાં એને સમજો, સાંભળો.

6) છઠ્ઠી આદત છે એનર્જીની આગળ અંગ્રેજીનો ‘એસ’ લગાડો તો બને સિનર્જી. અર્થાત્ બે કે બેથી વધારે વ્યક્તિ ભેગી થાય અને કશુંક સારું, નક્કર કાર્ય કરે એ થઈ સિનર્જી. આ દરમિયાન ભલે મતભેદ થાય મનભેદ થાય, પણ એક સીએમપી (કૉમન મિનિમમ પ્રોગ્રામ) નક્કી કરીને આગળ વધો. જે સારું પરિણામ મળે એમાંથી એવું કોઈ બીજું કામ કરવાની પ્રેરણા મળે એને કહેવાય સિનર્જી.

7) શાર્પન યૉર સૉઃ જો તમારે વૃક્ષ કાપવું હોય તો ધારદાર કરવતની જરૂર પડે. એવી જ રીતે તમે સતત અપડેટ રહો, વિચારોની ધાર કાઢતા રહો. નિયમિત એક્સરસાઈઝ, માનસિક વ્યાયામ માટે સારું વાંચન, સાત્વિક ખોરાક, પરિવાર સાથે સમય વિતાવવો, વગેરે.

-અને સૌથી મહત્વની વાત સ્ટિફન કહે છેઃ “કનેક્ટ વિથ યૉર ક્રિએટર વિથ પ્રેયર એવરી ડે” અર્થાત્ સૃષ્ટિના સર્જનહાર સાથે નિયમિત પ્રાર્થના દ્વારા સતત જોડાયેલા રહો.

3000 વ્યક્તિમાં સ્ટિફન કોવીએ આ આદત કૉમન જોઈઃ ભગવાનમાં દઢ શ્રદ્ધા. ધંધામાં કે જીવનમાં પાસા અવળા પડે, નિષ્ફળતા સાંપડે ત્યારે ભગવાનને યાદ કરો. પૂજ્ય પ્રમુખસ્વામી કહેતા કે “જે થાય છે એ ભગવાનની મરજીથી જ થાય છે. એમની મરજી વિના આપણાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાતો નથી.”

ભગવાનમાં શ્રદ્ધાની સાથે સાથે જાતમાં આત્મવિશ્વાસ રાખવો, થોડો સમય જવા દેવો, પુરુષાર્થ કરતા રહેવું. આ બધાંની સાથે કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશો તો અવશ્ય બહાર આવી શકશો, સફળ થશો, સમૃદ્ધ બનશો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)


Viewing all articles
Browse latest Browse all 721

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>